top of page

પુરુષ / સ્ત્રી / અન્ય

Dec 15, 2022
6 min read

By Unnati Vora


ગાડી ચલાવતાં ચાર રસ્તે સિગ્નલ લાગ્યું કે તરત જ મેં મારી ગાડી ઊભી રાખી. અહીં સિગ્નલ લાંબો સામે – લગભગ 3 મિનિટનું હોવાથી, રોજની જેમ આજે પણ મેં મારી કાર નું એંજિન બંધ કરી અને મારી બારી નો કાચ નીચો કરી, સિગ્નલ ખૂલવાની રાહ જોતી હતી – અને આજુબાજુ ના વાહનો ના ચાલકો ની ઉત્સુકતા, બેચેની અને હુંસાતુંસી નો હાસ્યાસ્પદ ખેલ નિહાળી રહી હતી.

આમ તો આ મારો રોજનો જ નિયમ હતો – પોણા નવ વાગ્યે ઘરે થી નિકળું એટલે નવ વાગ્યે આ સિગ્નલ મળતું અને સાંજે છ વાગ્યે બાયોમેટ્રિક પર અંગૂઠા ની છાપ પાડી ને બરાબર 6:15 કે 6:20 ના સમયે આ સિગ્નલ પર પોહચું.

આ સિગ્નલ એટલે બહુ જ જાણીતું ચાર રસ્તા નું સિગ્નલ – ખાસિયત, અહીં વેંચાતી વસ્તુઓ અને વ્યંઢળો!

ફક્ત 3 મિનિટના ટૂંકા સમયમાંજ એકેક ગાડી – ટૂ વ્હીલર હોય કે પછી 4 વ્હીલર – પણ વ્યંઢળો તીડ નાં ઝૂંડ ની જેમ છુટ્ટા પડી ને પૈસા માંગે અને એક પણ વાહન ને એની બાજ નજર થી છટકવા ના દે !

તે દિવસો માં નવરાત્રી નો અતિ શુભ પર્વ ના ચાલી રહ્યો હોવાથી હું તો ફક્ત મોકો શોધી ને સાડી ઠઠાડી ને મૅચિંગ થી સજ્જ – મારી ગાડી માં સિગ્નલ ખૂલે એની રાહ જોતી અને રેડિયો માં ગીતો સાંભળતી બેઠી હતી. અચાનક જ એક અજાણ્યા અવાજે મારી ખુલ્લી બારીમાં હાથની કોણીઓ ટેકવી અને હું હેબતાઈ ને ચોંકી ઉઠી અને તરત જ બારી નો કાચ બંધ કરવા ઉતાવળી થઈ – ત્યાંજ એ મારી ચેષ્ટા જોઈ ને અજાણ્યા અવાજે કહ્યું “ હેલ્લો મેડમ”! મેં બહુ ધ્યાન ના આપતાં બારી નો કાચ ચઢાવવાની મારી પ્રક્રિયા ચાલુ રાખી. ત્યાં ફરી એક વાર એક વાક્ય નો વાર થયો અને હું સ્તબ્ધ અને સ્તંભિત થઈ ગઈ ! “ હાઉ આર યૂ ? મેડમ, યૂ આર લૂકિંગ સો પ્રેટ્ટી એંડ બ્યુટીફુલ!!!” એક શ્વાસે બોલાયેલ આ કથન થી હું અવાક થઈ ને મારી ડોક ને ઝટકો મારી ને એ વ્યક્તિ ને જોવા લાગી..

આશ્ચર્ય, ઉત્સુકતા, નવાઈ, અચરજ જેવી અનેક લાગણીઓ નું વમળ મારા મન માં ઉઠ્યું હતું. ફરી શબ્દો કાને પડ્યા – “સરપ્રાઇઝ્ડ??” અને એના જવાબ માં મેં ફક્ત મૂંગા – બેહરા ની ભાષા માં મારી મુંડી ધૂણાવી ને “હા” પાડી ! એ હસવા લાગ્યો? કે લાગી ? રામ જાણે !

કાળો પણ થોડોક નમણો ચહેરો, ઊંચો કદાવર છતાં નાજુક બાંધો, વાંકડીયા વાળનો અંબોડો ને એમાં મોગરા નો ગજરો, ગળામાં નાની અમથી ચીન અને કાન માં નાની લટકતી

બુટ્ટીઓ .. કપાળ માં મોટો ભડક લાલ ચાંદલો અને હોઠ પર એવીજ લાલ ભડક લિપસ્ટિક. પાછળ પાલવ ની બેંગાલી / મરાઠી સ્ટાઇલ માં લાલ-લીલા-પીળાં ગુલાબ ની પ્રિંટવાળી સાડી, ટૂંકો છેડો જેને વારંવાર કદાચ કોઈ હેતુસર ખભે થી સરકાવી દઈ એને ફરી સરખો નાખવા ની એની આકર્ષક આવડત ! આ બધું જ મેં પણ થોડી જ પળો માં નિહાળી લઈ એની નોંધ લીધી.

સિગ્નલ ની બાકી રહેલી દોઢ મિનિટ જે ઝડપ થી ઝબૂકતી હતી એટલી જ ઝડપે મારી ઉત્સુકતા પણ ધબકી રહી હતી ! થોડા સ્મિત સાથે એને મને કહ્યું “આઈ એમ એજ્યુકેટેડ, મેડમ” અને મને જાણતા-અજાણતા એના પ્રત્યે માં ઉભરાઇ આવ્યું! સરક્તા સમય જોઈ ને મેં ઝટ એનું નામ પૂછયું... જવાબ મળ્યો – “કસ્તુરી”..

“બાઈ મેમ, સી યૂ ટુમોરો ઍટ સેઇમ ટાઇમ”.. અને મેં ગાડી મારી મૂકી, ટ્રાફિક ને જેમ જ મારા વિચારો પણ જામ થઈ ગયા હતા !! અનેક પ્રશ્નો હતા મન માં, ઉત્સુકતા હતી – એના જીવન માં એક અમથું ડોકિયું કરવાની!! પણ શું કામ ? સિગ્નલ ની ત્રણ લાઇટમાં લાલ અને લીલી તો બરાબર જવાનો અને ઊભા રહેવાનો સંકેત આપે- પરંતુ આ પીળી લાઇટ? અસમંજસ !! એવીજ રીતે – કસ્તુરી નથી સ્ત્રી કે નથી પુરુષ! અન્ય છે ! તો મને એના થી શું લાગે કે વળગે ?! એક પળ એક વિચાર તો બીજી પળ વિચાર આવે – મહાભારત માં શિખંડી અને બૃહનલા જેવા પાત્રો ને કારણે તો આખી બાજીઓ પલટાઈ હતી ! તો આ “અન્ય” પણ તો ઈશ્વર ની જ એક રચના છે! એનું પણ આ સંસાર માં કોઈક તો કામ અને કારણ હશે જ ! વિચારો નું મંથન ચાલુ રહ્યું..

બીજા દિવસે એજ સમયે ફરી હું સિગ્નલ પર કસ્તુરી ને મળવા આતુર હતી – સિગ્નલ પર ગાડી ઊભી રાખી કે તરત જ કસ્તુરી વાહનો ને ચીરી ને મારી બારી એ આવી પોહંચી.. હૈ હેલ્લો કર્યું અને એને પૂછયું “હાઉ આર યૂ ડૂઇંગ મેડમ? મેં કહ્યું –આઈ એમ ગુડ – થેન્ક યૂ” .. બસ, રોજ આટલી વાત ની આપલે થવા લાગી.. સિગ્નલ પર લોકો અમને જોતાં પણ અમને કોઈ સંકોચ ન હતો.. પણ મારી ઉત્સુકતા નો હજી અંત નહોતો આવ્યો.. પ્રશ્નો વધી રહ્યા હતા !

અમારો હવે રોજ નો સમય અને નિયમ પાક્કા થઈ ગયા હતા – અને એમ કરતાં એક મહિનો વિતિ ગયો..

એક દિવસ મેં નિશ્ચય કરી લીધો કે આજે તો હું કસ્તુરી વિષે જાણી ને જ રહીશ.. સિગ્નલ પર સાંજે પહોંચતાંજ મેં કસ્તુરી ને - વાંધો ના હોય તો - મારી ગાડી માં બેસવા કહ્યું અને અમે બંને નજીક નાં જ એક રેસ્ટોરન્ટ માં ગયા – ચા નાસ્તો મગાવ્યાં અને એણે મારી ઉત્સુકતા જાણી લઈ ને વાત ની શરૂઆત કરી..

દક્ષિણ ભારત ના કોઈ દૂર ગામ ની એ રહેવાસી હતી – જન્મ થતાં જ માતા–પિતા ને એની શારીરિક ખામી ની જાણ થઈ ગઈ હતી – કે એ બાળક ના તો પુરુષ ના તો સ્ત્રી હતું ! એ

તો “અન્ય” હતું !!!! પરંતુ કસ્તુરી ના સદનસીબે તેનાં માતાપિતા એ ધીરજ, સંયમ, સમજ અને સહકાર થી એમની આ “અન્ય” સંતાન ને ઉછેરી. દસમાં ધોરણ સુધી એનું ભણતર કરાવ્યું. હવે મોટી શાળા અને કોલેજ માં એડ્મિશન મેળવવાનો સમય આવ્યો ! પ્રત્યેક આવેદન પત્ર માં પુરુષ/ સ્ત્રી / અન્ય – એમ ત્રણ ચોઈસ ! અન્ય પર ટીક કરી ફોર્મ ઓફિસ માં આપે કે રિજેક્ટ થઈ પાછું આવે !

આખરે કસ્તુરી એ જેમ તેમ કરી અને મહા મહેનતે મેડિકલ ટ્રાનસ્ક્રિપ્શન નો કોર્સ પૂરો કર્યો અને એક એનજીઓ સાથે સંકળાઇ ગઈ – જ્યાં કામ અને દામ બંને મળી રહ્યા હતાં. થોડા સમય બાદ નસીબે પડખું ફેરવ્યું અને એનજીઓ બંધ થઈ ગઈ! એ જ કાળ દરમિયાન કસ્તુરી નો સૌથી મોટો આધાર તેનાં માબાપ પણ વિદાઇ લઈ ગયાં.. બે ભાઈઓ અને એક બહેન – પણ કોઈએ કસ્તુરી નો હાથ ન ઝાલ્યો.. ન કોઈ મદદ કે ન કોઈ સહયોગ.

હડધૂત થયેલી – મન થી તૂટેલી કસ્તુરી માટે હવે જાણે બીજો કોઈ પર્યાય ના હતો – પોતાની જમાત માં ભળ્યા સિવાય અને એણે મુંબઈ મહાનગરી માં પોતાની ટોળી માં શામિલ થઈ સિગ્નલ પર પૈસા મેળવી ને વસવાટ શરૂ કર્યો.

હવે વારો મારો હતો બોલવાનો – અને મેં તેને સાંત્વના આપતાં કહ્યું કે જો કોઈ પણ એવા એનજીઓ કે કોઈ ઓફિસ માં કામે લગાડવા માં હું મદદ કરી શકીશ તો મને ખૂબ આનંદ મળશે પણ એ કંપનીઓ કસ્તુરી ને કેટલી અપનાવશે એ વિષે મને અને એને બંને ને શંકા હતી.. એટલે મેં એને નાઇટ સ્કૂલ વિષે કહ્યું – જ્યાં આર્થિક રીતે નબળા લોકો ને ઓછી ફીસ માં ભણાવવા માં આવતા હોય છે – એવી જ રીતે અમુક વૃદ્ધાશ્રમ માં પણ કોઈ કામ કરી શકાય, કે પછી અનાથ આશ્રમ માં પણ પોતે કામ અથવા અંગ્રેજી શીખવી શકે.

કસ્તુરી ને મેં આ રીતે મદદ કરવા માટે પૂરતો સહયોગ આપવાનું કહેતાં જ એ એટલી ખુશ થઈ ઉઠી કે એકદમ મારો હાથ એના હાથ માં લઈ ને ચૂમી લીધો – અને બીજી જ પળે પોતાના છેડા થી અને ટિસ્યૂ પેપર થી વારે વારે લૂછી અને સત્તર સો વાર “સોરી” બોલી હશે.. અને અચાનક જ અમે બંને જોર થી હસી પડ્યાં !!!!! લોકો અમે – ખાસ તો મને – જોઈ રહ્યાં હતા – પણ પરવા ના હતી ! ફક્ત એક જ વિચાર મારા મન માં હતો – હું કોઈ સ્ત્રી કે પુરુષ ને જ નહીં “અન્ય” ને પણ હવે ઓળખું છું!!!

થોડા સમય બાદ હું રજા પર હોવાથી ઓફિસ જતી ન હતી – અને એથી મને કસ્તુરી ની કોઈ ન તો જાણ હતી કે ના કોઈ અપડેટ..




સમય વિતતો ગયો અને એમ કરતાં એક – બે વર્ષ ઉપર થઈ ગયું હશે ! હું રોજ સિગ્નલ પર કસ્તુરી ની રાહ જોતી પણ એની કોઈજ ભાળ ન મળી ! છેવટે મેં પણ ધારી લીધું કે મેં ખોટી

વ્યક્તિ પર ખોટો વિશ્વાસ કર્યો ! કસ્તુરી એ મારો ભરોસો તોડ્યો હતો – એનું દૂ:ખ, ગુસ્સો, દયા વગેરે બધાજ ભાવ મનમાં વાગોળતી હતી પણ કસ્તુરી ક્યાંય ના મળી!

તે દિવસ મારી ગાડી સર્વિસ માં ગઈ હોવાથી હું રિક્ષામાં ઓફિસ થી આવી રહી હતી – એજ સિગ્નલ અને એટલો જ એજ સમય – ત્યાં ગાળવાનો હતો – કસ્તુરી વગર! ત્યાંજ અચાનક ફરી એક વાર એક અજાણ્યા અવાજે મારું નામ લઈ મને સંબોધી ! અને ફરી એક વાર હું અવાચક થઈ ગઈ ! પણ એ ચેહરો અલગ હતો !!!! હું આશ્ચર્ય માં ગરકાવ થઈ કાઇ સમજું એ પહેલાં જ એણે ખુલાસો કર્યો – હું રીયા – કસ્તુરી ની ફ્રેન્ડ – અને એને એક પળ ગુમાવ્યા વગર કસ્તુરી વિષે શુભ સમાચાર આપ્યા ! કોઈક શાળા માં છોકરાઓ ને અંગ્રેજી વિષય ભણાવે છે ! અને મારી આંખો માંથી “ટપ ટપ “ હરખના આંસૂ સરી પડ્યાં જેનું મને ભાન જ ન રહ્યું.

અત્યાર સુધી કસ્તુરી ને મેં એક પણ પૈસો ક્યારેય આપ્યો ન હતો પણ આજે મેં રીયા નામના “અન્ય” ને સો રૂપિયા આપી અને કહ્યું “સ્ત્રી કે પુરુષ હોવું જરૂરી નથી, “અન્ય” પણ જો ચાહે તો પોતાની એક અલગ ઓળખ બિલકુલ બનાવી શકે છે!!


By Unnati Vora




Recent Posts

See All
Unread

By Roshan Tara “You’ve never written me a love letter,” she teased, eyes bright. “Like in old movies. Handwritten. Just once—for my birthday.” He promised. But fate was faster than his pen. She never

 
 
 
Teaming Up and Escaping From Kidnap

By Hemasri Nithya Chodagiri “I don’t know how I got myself here”. “I'm an ordinary orphan and my name is Henry”. “My dad raised me until I was 10 but after that my dad died in a museum fire and my mom

 
 
 
The First Sight

By Gaayathri Arasakumar “ Senapathi , move forward, come what may! Let no Deva or man stop us!” I bellowed over the chaos of the battlefield. Perhaps, Mallan had not heard my cry over the maddening t

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page