પ્રણય પુસ્તક
By Haidar Ali Jangrala
પ્રણય પુસ્તકને ખોલીને અવાચક થઇ ગયો છું હું
મને એમાં વફાના અંતનું પાનું નથી મળતું.
છડે ચોકે જ બેઠી છે બધી ખુશીઓ પથારા લઇ
ફક્ત એને જ મારા ઘરનું સરનામું નથી મળતું
ભરોસો રાખ ભરોસો રાખ કહી થાકી ગઈ છે જીભ,
હવે એને તો મારા સત્ય માં સત્ પણ નથી જડતું
ઉઘાડા શસ્ત્રો લઈ સામે ઘડે એ પેંતરા સારા,
મને યારી ના પડદામાં તો રમવાનું નથી ગમતું.
કહું હું કેમ એને હમસફર મુજને બતાવી દો
અમારા કોઈ વિચારોનું મને પાનું નથી મળતું.
સમક્ષ એની મે રાખી છે જીવનની ચોપડી તો પણ,
ના જાણે શું એ શોધે છે કે એને કઈ નથી મળતું.
રહે સુખના સમયે સાથ જાણે વ્હાલસોયા હોય
મને વેળાએ દુઃખના કોઈ પણ વ્હાલું નથી મળતું
બધી વેળાએ તો અલ્લાહ નું જ બસ ચાલશે હૈદર,
જો એની હોય ના મરજી તો કંઈપણ નથી મળતું.
By Haidar Ali Jangrala

Comments